નવી દિલ્હી, 01 જાન્યુઆરી (હિ.સ.) ભારતના જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરના લાલ ચોકથી લઈને અમેરિકન શહેર લોસ એન્જલસ સુધી લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબી ગયા હતા. લોસ એન્જલસ, એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યનું સૌથી મોટું શહેર છે અને ન્યૂયોર્ક પછી સમગ્ર દેશમાં બીજું સૌથી મોટું શહેર છે. હોલીવુડ સ્ટાર્સથી પ્રકાશિત આ શહેરમાં લોકોએ ફટાકડા ફોડ્યા.
આખા ભારતમાં, લોકોએ આજે સવારે નવા વર્ષમાં સર્વ પ્રથમ ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરી અને ભગવાનના આશીર્વાદ માંગ્યા. આ પહેલા લોકોએ રાત્રે ફટાકડા ફોડીને 2024નું સ્વાગત કર્યું હતું. એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મહાકાલ, વૈષ્ણો દેવી, ગંગા ઘાટ, સુવર્ણ મંદિર સહિત તમામ ધર્મસ્થળોમાં, વર્ષની પ્રથમ આરતી અને પૂજા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે, પુરીના બ્લુ ફ્લેગ બીચ પર મહાપ્રભુ જગન્નાથનું 25 ફૂટ ઊંચી રેતીની મૂર્તિ બનાવી હતી. વર્ષ 2024ની પ્રથમ ગંગા આરતી, વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર કરવામાં આવી હતી. ગંગા આરતી સાથે સૂર્ય પૂજા પણ કરવામાં આવી હતી. હજારો ભક્તોએ આ નયનરમ્ય દ્રશ્ય નિહાળ્યું હતું.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષની પ્રથમ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભસ્મ આરતીમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષના પ્રથમ દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા પ્રસિદ્ધ સુવર્ણ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓનું પૂર આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં કોનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં, વર્ષના પ્રથમ દિવસે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આરતીમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. પ્રાચીન હનુમાન મંદિર ઉપરાંત દિલ્હીના લોધી રોડ સ્થિત સાંઈ મંદિરમાં પણ આરતી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં, નવા વર્ષ 2024ની પ્રથમ કાકડા આરતી કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ નવા વર્ષ નિમિત્તે ભગવાન તિરુપતિ બાલાજીના મંદિરને તાજા ફૂલોથી શણગાર્યું હતું. કેરળના સબરીમાલા મંદિરમાં ભક્તોએ ભગવાન અયપ્પા સમક્ષ પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી. તમિલનાડુના રામેશ્વરમમાં ચર્ચોમાં નવા વર્ષની શરૂઆતમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકતાની પાર્ક સ્ટ્રીટમાં પણ લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2024ની પ્રથમ આરતી દિલ્હીના પ્રખ્યાત ઝંડેવાલા મંદિરમાં થઈ હતી. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અને નવી દિલ્હીના કનોટ પેલેસમાં ભારે ભીડ જોવા મળી હતી. થાઈલેન્ડના બેંગકોકમાં નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ/માધવી
