
ભરૂચ 15 ઓકટોબર : અંકલેશ્વર ખાતે ખોડલધામ દ્વારા સૌપ્રથમવાર નવરાત્રી મહોત્સવને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે જય માં ખોડલના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શ્રી ખોડલધામએ કોઈ સંસ્થા નથી પરંતુ શ્રી ખોડલધામએ એક વિચાર છે તેવા લક્ષ સાથે ગુજરાત રાજ્ય સહિત મધ્યપ્રદેશમાં કામ કરી રહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ અને ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ રાજ્યભરમાં 30 થી વધુ સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર શહેર દ્વારા જીઆઇડીસીમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ખોડલધામ ગરબા ગ્રાઉન્ડ ખાતે જાજરમાન નવરાત્રી મહોત્સવનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આપણી દીકરી આપણા આંગણેની ઉત્કૃષ્ટ થીમ સાથે અંકલેશ્વર ખાતે જાજરમાન નવરાત્રી મહોત્સવને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હિંમત શેલડીયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખ રાદડિયા, પંકજ ભુવા ગરબા મહોત્સવના કન્વીનર હસમુખ ચોવટીયા, દેવેન સાવલિયા , જીલ્લા કન્વીનર જયશીલ પટેલ, નિતેશ સાવલિયા તેમજ સમગ્ર અંકલેશ્વર ટીમ નવરાત્રી પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહી રીબીન કાપી દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરી અંકલેશ્વરમાં પ્રથમ નવરાત્રી મહોત્સવને સમાજ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં આ પ્રસંગે સમાજના પ્રમુખો, આગેવાનો, ખોડલધામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં નાના બાળકોની ગરબા કોમ્પિટિશન રાખવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરતી કોમ્પિટિશન, ગરબા કોમ્પિટિશન રાખવામાં આવ્યા છે. અંકલેશ્વર ખાતે પ્રથમ વખત ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ શરૂ થયેલ પ્રથમ નવરાત્રી મહોત્સવને સૌએ વધાવી તેને આવકાર્યો હતો.
