ગાંધીનગર, 05 જાન્યુઆરી (હિ.સ.): નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો દ્વિતીય પદવીદાન સમારોહ તા.6 જાન્યુઆરી, 2024ના રોજ NFSU કેમ્પસ, ગાંધીનગર ખાતે સાંજે 4.00 વાગ્યાથી યોજાશે. આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગાસ્પર્ડ ટ્વાગિરાયેઝુ (શિક્ષણ મંત્રી, રિપબ્લિક ઓફ રવાન્ડા) ઉપસ્થિત રહેશે.
વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ-2022-23માં ઉત્તીર્ણ થયેલા કુલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં 23 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરાશે. મુખ્ય અતિથિ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
ડો. વ્યાસે જણાવ્યું કે હાલમાં, યુનિવર્સિટી 72 અત્યંત વિશિષ્ટ ડોક્ટરલ, પોસ્ટ-ડોક્ટરલ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, ઇન્ટિગ્રેટેડ UG-PG પ્રોગ્રામ્સ, પોસ્ટ-ડોક્ટરલ (D.Sc. / D.Litt. / LLD), B. Sc. જેવા ફોરેન્સિક સાયન્સ સાથે સંબંધિત અભ્યાસક્રમો ચલાવે છે. જ્યારે 35થી વધુ દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહ્યાં છે. ભારતમાં NFSU નવ કેમ્પસ ધરાવે છે. વિદેશ, યુગાન્ડા ખાતે પોતાનું કેમ્પસ શરૂ કરનારી ભારતની સૌપ્રથમ યુનિવર્સિટી બનવાનું ગૌરવ પણ NFSU ધરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ
