નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) અદાણી ગ્રૂપના ચેરમેન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીને પછાડીને ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વ રેન્કિંગમાં ગૌતમ અદાણી 12મા ક્રમે છે જ્યારે મુકેશ અંબાણી એક સ્થાન નીચે 13મા ક્રમે છે. તેમની નેટવર્થમાં તાજેતરના વધારા સાથે, અદાણી ગ્રુપના વડા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા છે.
શુક્રવારે જારી કરાયેલા બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણી 97.6 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં 12માં સ્થાને છે, જ્યારે મુકેશ અંબાણી 97 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે 13માં સ્થાને આવી ગયા છે. ગયા વર્ષની સરખામણીમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બંનેના રેન્કિંગમાં સુધારો થયો છે.
ઈન્ડેક્સ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં 7.7 અબજ ડોલરનો વધારો થયો છે, જે વધીને 97.6 અબજ ડોલર થઈ ગયો છે. તે જ સમયે, મુકેશ અંબાણીની સંપત્તિ 97 અબજ ડોલર છે. જો કે, છેલ્લા 24 કલાકમાં તેની નેટવર્થમાં 665 મિલિયન ડોલર નો વધારો થયો છે.
વાસ્તવમાં, 3 જાન્યુઆરીએ અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, તેમની કંપનીઓના શેરના ભાવમાં ઝડપથી વધારો થવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ વધી રહી છે.
નોંધનીય છે કે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ એ વિશ્વના સૌથી ધનિક લોકોની દૈનિક રેન્કિંગ છે. તે માર્ચ 2012માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે તેમની સંપત્તિના આધારે વિશ્વના 500 સૌથી ધનિક લોકોની દૈનિક રેન્કિંગ ધરાવે છે. તેમાં દરેક અબજોપતિની પ્રોફાઇલનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ
