રાજકોટ/અમદાવાદ, 20 માર્ચ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પ્રસંગે રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆર રાહુલ ગાંધીના શક્તિ મુદ્દે કરેલા નિવેદનને મુદ્દો બનાવી દીધો. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી નામ લીધા વગર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે.
રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, બાળ ભગવાન કે મહિલા ભગવાન ક્યાંય નથી, માત્ર આપણા દેશમાં જ આ છે, ભારતીય સંસ્કૃતિમાં જ છે આ સિવાય કોઈ જગ્યા એ છે નહીં. બાળ ભગવાન ક્યાંય નો હોય, મહિલા ભગવાન ક્યાંય ન હોય, આપણે તો અહીંયા જગદંબાઓ હોય. નવ નવ દિવસ તેની ઉપાસના થાય, ઉપાસનાનું પર્વ આપણે ત્યાં ચાલે.
આટલું બોલતા રૂપાલાને રાહુલ ગાંધીનું નિવેદન યાદ આવી ગયું અને અચાનક બોલ્યા કે, હમણાં તો શક્તિ સામે પણ વાંધો પડ્યો છે. સમજ્યા વિનાનો વાંધો પાડે છે કે, સમજીને પાડે છે ઈ નથી સમજાતું. કોઈકે શક્તિની ઉપાસના કરવાનું કહ્યું તો એણે શક્તિ પકડી, એની સામે થયો છે. આવું બધું ચાલ્યા રાખે. આ દેશ એવાના ભરોસે છે નહીં. વિરોધ કરનારાઓના ભરોસે આ દેશ ચાલતો નથી. સીતાનું હરણ ક્યારે થયું એની કોઈ તારીખ નથી ખબર કોઈને, રામાયણમાં ઉલ્લેખ થયો છે અને આજની તારીખે પણ રાવણના પૂતળાનું દહન કરી દેશ ઉજવણી કરી રહ્યો છે. માટે અમુક અમુક ઘટનાને દેશ ભૂલતો નથી અને તેમાંથી જ પરંપરાઓ નીપજે છે.
રાહુલ ગાંધીની ન્યાયયાત્રા 17 માર્ચ, રવિવારે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં I.N.D.I.A ગઠબંધનની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. રાહુલ ગાંધીએ રેલીમાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે, અમે શક્તિ સામે લડી રહ્યા છીએ.
રાજકોટના કુવાડવા નજીક એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
