પાટણ,12 ઓક્ટોબર : રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ કક્ત પાંજરાપોળ અને ગોશાળાઓમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓની નિભાવણી માટે પશુદીઠ રૂ.30ની સહાય ચૂકવવા માટેની યોજના આ વર્ષે પણ અમલમાં મૂકાઈ છે અને તેમાં હાલમાં જુલાઈથી સપ્ટેમ્બર માટેની સહાય માટે અરજીપત્રકો સ્વીકારવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા ચેરીટી કમિશ્નર કચેરીમાં આ પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલા પાટણ જિલ્લાની પાંજરાપોળ, ગૌશાળાઓમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓની નિભાવણી માટે પશુ દીઠ રૂ.30 સહાય ચૂકવવા માટેની યોજના ગત વર્ષથી અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે પણ આ યોજના અમલમાં છે. તેમાં એક ખાસ શરત મૂકવામાં આવી છે કે, આ સહાય મેળવવા માંગતી પાંજરાપોળ અને ગૌશાળાઓને રખડતા પશુઓ અને માલિક વિનાના પશુઓને સ્વીકારવાની શરત સાથે સહાય ચૂકવવામાં આવશે. ત્યારે ગત એપ્રિલથી જૂનના તબક્કા માટે સહાય મેળવવા માંગની પાંજરાપોળ અને ગૌશાળા પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાંથી 32 અરજી આવી હતી તે પૈકી ચકાસણીના અંતે 29 અરજીઓને માન્ય રખાઈ હતી.
હાલમાં જુલાઈથી સપ્ટેમ્બરના તબક્કા માટે પશુ સહાય મેળવવા માંગતી પાંજરાપોળ અને ગૌશાળાઓ પાસે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. જેમાં 21 દિવસની અંદર જરૂરી આધાર પુરાવા સાથે ના દસ્તાવેજો જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરી જિલ્લા પંચાયત, પાટણને મોકલી આપવાના રહેશે. એના માટે અરજી સ્વીકારવાની છેલ્લી તા.15-10-2023 રાખવામાં આવી છે.
પાટણ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડાં.બી.એમ, સરગરાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ફક્ત ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે જ અમલમાં મૂકવામાં આવેલી છે. તેમાં પણ પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ હોય તેવી સંસ્થાઓને જ આ યોજનાનો લાભ મળી શકે છે. જુદા જુદા ચાર તબક્કાઓમાં સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર, ઓકટોબરથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી માર્ચ 2024 એમ ચાર તબક્કાઓમાં સહાયની ચક્રવણી કરાશે.
