ગાંધીનગર, 16 ઓકટોબર – આગામી લોકસભા 2024 ને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપમાં બેઠકોનો દોર શરૂ થવા પામ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ગત રોજ મોડી રાત્રે મંત્રી નિવાસમાં ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠક મળી હતી. ગઈકાલે મોડી રાત્રે મળેલી આ બેઠક 5 કલાકથી વધુ સમય ચાલી હતી. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપનાં કાર્યકરોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત ભાજપનાં સંગઠન, લોકસભા ચૂંટણી અંગેની ચર્ચાની શક્યતા છે. તેમજ બોર્ડ નિગમ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
આ સિવાય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં અમિત શાહે ખુબ લાંબી અને મેરેથોન બેઠક કરીને ગુજરાત સરકારના કરેલા કામોની સમીક્ષા કરી હતી.બેઠકમાં સરકાર અને સંગઠને આગમી દિવસોમાં કેવી રીતે વધુ મજબૂત કામ કરવું તે મામલે ચર્ચા કરાઈ હતી. જો કે નવાઈની વાત એ છે કે, નવરાત્રીના પ્રથમ નોરતે અને અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસના અતિમ દિવસે 5 કલાકથી વધુ લાંબી બેઠક કરીને ગુજરાતમાં ભાજપની લોકસભાની કામગ્રીરીનો રોડમેપ તૈયાર કર્યો હતો.
