સોમનાથ, 29 નવેમ્બર (હિ.સ.) સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા વર્ષ-૨૦૨૫માં રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ તથા સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત સોમનાથ ઉત્સવ-૨૦૨૫ નો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ સચિવ પી.કે.લહેરીએ આજે મોડી સાંજે કરાવ્યો હતો.
કલા અને સંસ્કૃતિના અલૌકિક ઉત્સવ એવાં સોમનાથ ઉત્સવમાં ગણેશ વંદના, શિવસ્તોત્રમ્, મેર રાસ સહિતની અદભૂત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા તેમજ લોક ગાયક હેમંતભાઈ જોશીને સાંભળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ લોકોને પેટભરીને હસાવ્યા હતા. જ્યારે લોક ગાયક હેમંતભાઈ જોશીએ લોકગીતોથી સૌ કોઈને મનમોહિત કર્યા હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ રાસ ગરબા જેવા કે ટિપ્પણી, ડાંગી નૃત્ય, મણિયારો રાસ સહિતના લોક નૃત્યોની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.પી.ચૌહાણ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, ભાવિક ભક્તો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
