સુરત, 23 ઓક્ટોબર (હિ.સ.): સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે નવા વર્ષની શરૂઆત દુઃખદ ઘટનાથી થઈ છે. 35 વર્ષીય પરણિત યુવકનું બીજા માળની ગેલેરીમાંથી પગ લપસી જતાં કરુણ મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જે ઘટનાની ભયાનકતા બતાવે છે. નવા વર્ષની ઉજવણીના દિવસે જ પતિ ગુમાવતા પત્ની પિંકી આક્રંદમાં તૂટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ગેલેરીમાં પગ લપસી જતા સંતુલન ગુમાવ્યું
માહિતી મુજબ, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના અને હાલ કુડસડ ગામની ચિરાગ રેસિડન્સીમાં રહેતા તોફાન અભી નાહક (ઉંમર 35) પોતાના ઘરના બીજા માળે ગેલેરીમાં હતા. રાત્રિના આશરે 9 વાગ્યાના સમયે અચાનક પગ લપસી જતાં તેમણે શરીરનું સંતુલન ગુમાવી દીધું અને સેફ્ટી ગ્રિલ સાથે લટકાઈ ગયા હતા.
પત્નીએ કર્યો જીવ બચાવવાનો પ્રયાસ
પતિની બુમાબુમ સાંભળીને તેમની પત્ની પિંકી દોડી આવી હતી. તેમણે તાત્કાલિક પતિનો હાથ પકડીને ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પકડ છૂટી જતા તોફાન સીધા જ બીજા માળેથી નીચે પટકાયા.
ઘટના સ્થળે જ મોત
જમીન પર જોરદાર રીતે પટકાતા તોફાનને માથા અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.
સીસીટીવીમાં કેદ દ્રશ્યો
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તોફાન પગ લપસતાં ગેલેરીની ગ્રિલ સાથે લટકાઈ ગયા હતા. પત્ની સમયસર પહોંચી ગઈ હતી અને તેમને પકડી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હાથ છૂટી જતા તોફાન નીચે પટકાઈ ગયા હતા.
આ હૃદયદ્રાવક બનાવ નવા વર્ષની ખુશીને શોકમાં ફેરવી ગયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
