પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા, ઝાડા-ઉલટી, શરદી-ખાંસી, તાવ, ટાઈફોઇડ અને ડેન્ગ્યુ સહિતના 12,500થી વધુ OPD નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં કરાયેલા 1,400 મેલેરિયા ટેસ્ટિંગમાંથી 8 કેસ પોઝિટિવ મળ્યા છે, જેમાં 3 ઝેરી અને 5 સાદા મેલેરિયાના છે. ડેન્ગ્યુના 5 તથા વાયરલ ફીવરના 400થી વધુ કેસ નોંધાયા છે.
મચ્છર નિયંત્રણ માટે પાટણ નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ફોગિંગ મશીન તથા બળેલા ઓઇલનો ઉપયોગ થતો નથી. દર વર્ષે લાખો રૂપિયાના ફોગિંગ મશીન, ઓઇલ અને ગેમેક્સિન પાવડર ખરીદાયા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી.
સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે OPD વિભાગમાં ત્રણ પંખા બંધ હોવાને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ સર્જન ડૉ. પ્રીતિબેન સોનીએ પંખા તાત્કાલિક શરૂ કરાવવાની ખાતરી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાઠોડ હાર્દિક
