

મહેસાણા, 11 નવેમ્બર (હિ.સ.) દિલ્હીમાં થયેલા ગંભીર બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. તેના અનુસંધાનમાં, રાજ્યના સૌથી મોટા યાત્રાધામ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરને ‘હાઈ એલર્ટ’ પર રાખવામાં આવ્યું છે.
મોડી રાત્રે જિલ્લા પોલીસનો મોટો કાફલો અંબાજી પહોંચ્યો હતો અને મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. મંદિરના મુખ્ય દ્વાર, ગર્ભગૃહ તરફ જતા માર્ગ, ભક્તિભવન અને યાત્રાધામ વિસ્તાર સુધી પોલીસની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ઇન્ટેલિજન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
અંબાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, સંવેદનશીલ સ્થળો અને યાત્રાધામોમાં કોઈ અણધારી ઘટના ન બને તે માટે કડક ચેકિંગ શરૂ કરાયું છે. મંદિર આવતા દરેક ભક્તોના સામાનની તલાશી લેવામાં આવી રહી છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત, શહેરમાં પ્રવેશતા તમામ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અંબાજી જતા હાઇવે, બસ સ્ટેન્ડ અને હોટલોમાં પણ પોલીસની પેટ્રોલિંગ વધારવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
