અંબાજી 29 નવેમ્બર (હિ.સ) દાંતા પૂર્વ રેન્જના જીતપુર રાઉન્ડની વેકરી બીટના મોજે સેકડા જંગલ સર્વે નંબર ૧૧૪/પૈકી ૨ (નવો સર્વે નંબર ૨૧૨) ખાતે તારીખ ૨૭-૧૧-૨૦૨૫ના રોજ જંગલ ફેરણા દરમ્યાન વન વિભાગની ટીમે ત્રણ શકમંદ ઈસમોને જોતા તેમની પાસે રહેલ પ્લાસ્ટિકના કટ્ટાની તપાસ કરી હતી. જેમાંથી શિયાળ નંગ-૧ મૃત હાલતમાં મળ્યો હતો. જેથી વનપાલ-જીતપુરશ્રી પી. કે. વાવેચા દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વી.એલ.ચૌધરીને તાત્કાલિક જાણ કરી આગળની કાર્યવાહી કરાઈ હતી.
મદદનીશ વન સંરક્ષક અંબાજીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા એક આરોપીને રંગે હાથ પકડી દાંતા પુર્વ રેંજ કચેરી ખાતે લાવી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૨, ૯, ૨૭, ૩૯, ૪૩, ૪૪, ૫૦, ૫૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી પરદેશભાઈ બાબુનાથ ભાટી (મદારી) રહે મદારી વસાહત, વડાલી, તા. વડાલી, જી. સાબરકાંઠા સામે કાયદેસરની કાર્યવાહી કરી એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ, દાંતા કોર્ટમાં રજુ કરી દિન-૪ના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આ મામલે વન વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે તેમ પરિક્ષેત્ર વન અધિકારી દાંતા પૂર્વ દ્વારા જણાવ્યું છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ
