જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા આયોજિત લોકમેળામાં પ્લોટધારકો દ્વારા ખુલ્લેઆમ ગેરરીતિ અને ટેન્ડરની શરતોનો ભંગ થઈ રહ્યાનો આક્ષેપ મનોજ જ્ઞાનચંદાણી તથા ચેતનભાઈ નંદા નામના જાગૃત નાગરિકોએ કર્યો છે. મ્યુનિ. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં તાકીદે યોગ્ય પગલાં લેવા તેમણે માગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ચકરડીઓના ખાંચાવાળી જગ્યામાં ગેરકાયદેસરરીતે ફ્રૂટના ટેબલ, મગફળીની રેંકડી, મગફળીનું ટેબલ વિગેરે ગોઠવી એસઓપીનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પોપકોર્નના સ્ટોલની જગ્યામાં પણ તરબૂચ, ઠંડાપીણા, આઈસ્ક્રીમનું ગેરકાયદેસર રીતે વેંચાણ થાય છે. મનપાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓની આ ધંધાર્થીઓ સાથે ભાગીદારી છે અને મનપાની તિજોરીને નુક્સાન તો થઈ જ રહ્યું છે સાથે સાથે સલામતીના નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે.
આ ઉપરાંત એસ્ટેટ વિભાગના કર્મચારીઓની મીલીભગતના કારણે મેળામાં લોકો માટે ખુલ્લી રાખવામાં આવેલી જમીન-જગ્યામાં પણ કેટલાક ધંધાર્થી ઘૂસી જાય છે અને બિન્દાસ દબાણ કરી ધંધો કરે છે. કેટલીક ચકરડીઓ દ્વારા પણ મોટી ખુલ્લી જગ્યામાં દબાણ કરી ગોઠવાય જાય છે, અને તે માટે એસ્ટેટ વિભાગના કર્મચારીઓને ગેરકાયદે ભાડા ચૂકવતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં કડક તપાસ કરી જવાબદારો સામે ખાતાકીય પગલાં લેવા તેમજ મેળાના મેદાનમાં ચાલતા ગેરકાયદે દબાણોવાળા, નિયમોના ભંગ કરનારા, ઘૂસણખોરી કરનારાઓને હાંકી કાઢવા રજૂઆત કરવામાં આવી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt
