અમરેલી, 20 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ગાંડોતૂર માહોલ સર્જાતા દરિયાઈ દુર્ઘટનામાં ત્રણ બોટો ડૂબી જવાના બનાવે હાહાકાર મચ્યો છે. જાફરાબાદની જય તાત્કાલિક અને દેવકીનંદન બોટો તથા ઊનાના રાજપરા ગામની મુરલીધર બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. અચાનક દરિયો ઉફાન પર આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ત્રણેય બોટમાં કુલ મળી 27 જેટલા ખલાસીઓ સવાર હતા. જેમાંથી 16 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 11 ખલાસીઓ દરિયામાં લાપતા હોવાનું બહાર આવ્યું છે. બચાવાયેલા ખલાસીઓને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે અમરેલીના ધારાસભ્ય હીરા સોલંકી પોતે હોસ્પિટલ પહોંચીને 4 જેટલા ખલાસીઓની મુલાકાત લીધી હતી અને વહીવટી તંત્રને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી તેજ કરવાની સૂચના આપી હતી.
હીરા સોલંકીએ જણાવ્યું કે, “આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને સમગ્ર તંત્ર બચાવ કામગીરીમાં જોડાયું છે. અમરેલીનું વહીવટી તંત્ર જાફરાબાદ ખાતે પહોંચી રહ્યું છે.” તેમણે આશ્વાસન આપ્યું કે લાપતા ખલાસીઓને શોધવા માટે દરિયાઈ બચાવ દળ સહિત તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ માછીમાર સમાજમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી છે. દરિયો ગાંડોતૂર બનતા માછીમારોમાં ભયનો માહોલ છે અને માછીમારોના પરિવારજનો બોટમાં સવાર લાપતા સગાઓ માટે વ્યાકુળતા અનુભવી રહ્યા છે. હાલ દરિયામાં તોફાની પવન અને ઊંચી મોજાઓ હોવાને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાં તંત્ર સતત પ્રયાસરત છે.
જાફરાબાદના કિનારે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને સરકાર પાસે લાપતા ખલાસીઓને સલામત પરત લાવવાની માંગ ઉઠી રહી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai
