મુંબઈ, નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.) કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)એ, મુંબઈ એરપોર્ટ પર 2 કરોડ રૂપિયાના હેરોઈન સાથે નાઈજીરિયન મહિલાની ધરપકડ કરી છે. નવા વર્ષની ઉજવણી માટે આ ડ્રગ્સ, મુંબઈથી દિલ્હી મોકલવામાં આવી રહ્યું હતું. આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
કસ્ટમ્સના સૂત્રોએ રવિવારે મીડિયાને જણાવ્યું હતું કે, એઆઈયુ ની ટીમને મુંબઈથી દિલ્હી મોકલવામાં આવતા, ડ્રગ્સ અંગેની ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે શનિવારે નાઈજીરિયન મહિલાને, એરપોર્ટ પર તપાસ માટે રોકવામાં આવી હતી. પહેલા તો મહિલાએ પોતાની જાતને નિર્દોષ જાહેર કરી અને કહ્યું કે, તેની પાસે ડ્રગ્સ નથી, પરંતુ જ્યારે એઆઈયુ ટીમે મહિલાની શોધખોળ કરી તો, તેને તેના અંદરના કપડામાં છુપાવેલી 20 કેપ્સ્યુલ મળી આવી, જે કથિત રીતે હેરોઈન હતુ. આ પછી એઆઈયુ ની ટીમે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.
આરોપીની ઓળખ વિક્ટોરિયા ઓકાફોર તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, નાલાસોપારામાં ઓની નામના, ડ્રગ સ્મગલરે તેને મુંબઈથી દિલ્હી લઈ જવા માટે ડ્રગ આપ્યું હતું. આ માટે તેને 50 હજાર રૂપિયા મળ્યા. જોકે, આરોપીના વકીલ પ્રભાકર ત્રિપાઠીએ કહ્યું કે, તેમના અસીલ નિર્દોષ છે અને તપાસ એજન્સીએ દબાણમાં તેમનું નિવેદન લીધું હતું. તેણે કહ્યું કે, ઓકાફોરને જાણ ન હતી કે પાર્સલમાં ડ્રગ્સ છે. આ કેસમાં એઆઈયુની ટીમ, ઓની નામના દાણચોરને શોધી રહી છે, જેણે આરોપીઓને ડ્રગ્સ આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીલ / ડો. હિતેશ / માધવી
