
કોલકતા, નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) કોલકતાનું બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. અહીં રવિવારે (24 ડિસેમ્બર) ઓછામાં ઓછા એક લાખ લોકો એકસાથે ગીતા પાઠ કરશે. જો કે અત્યાર સુધીમાં 1 લાખ 30 હજાર લોકોએ ગીતા પાઠ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આયોજકોનું કહેવું છે કે આ કાર્યક્રમમાં દક્ષિણ બંગાળના લોકો વધુ ભાગ લેશે. તેમના માટે 10 લોકલ ટ્રેનો બુક કરવામાં આવી છે. ઉત્તર બંગાળથી કોઈ ટ્રેન ગીતા પાઠ કરતા લોકો સાથે નહીં પહોંચે.
વિપક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સુભેન્દુ અધિકારી પણ આ કાર્યક્રમમાં મુખ્ય ચહેરો છે. તેમણે કહ્યું કે, આર્થિક સંકટના કારણે ઉત્તર બંગાળથી લોકોને લાવવામાં આવી રહ્યા નથી. એક આયોજકે કહ્યું કે, ગીતા પાઠ પહેલા 60 હજાર મહિલાઓ એકસાથે શંખ ફૂંકશે અને 70 હજાર લોકો, હે પાર્થ સારથી બજાઓ બજાઓ… ગીત ગાશે.
અગાઉ એવું નક્કી થયું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હશે અને તેમની સાથે દ્વારકા પીઠના શંકરાચાર્ય, સદાનંદ સરસ્વતીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની મુલાકાતનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે પરંતુ સદાનંદ સરસ્વતી તેમાં હાજરી આપશે. ગીતા પાઠની આખરી તૈયારીઓ ચાલી રહી છે. શનિવાર સાંજ સુધીમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવશે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિક્ટોરિયા મેમોરિયલની બરાબર સામે બે મોટા પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. એક તરફ મુખ્ય મહેમાન હશે અને બીજી તરફ ગીત, ‘હે પાર્થ સારથી બજાઓ બજાઓ..’ શરૂ થશે. કોલકતા પોલીસે આ કાર્યક્રમ માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પ્રકાશ/મુકુંદ / ડો. હિતેશ
