નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિં.સ.) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં, ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર નહીં થાય. ઇડી એ કેજરીવાલને, 21 ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, જેનો કેજરીવાલે જવાબ આપ્યો છે. આ સતત બીજી વખત છે જ્યારે કેજરીવાલ, ઇડી સમન્સ પર પૂછપરછમાં હાજર રહેશે નહીં. તે એક દિવસ પહેલા વિપશ્યના કેન્દ્ર માટે રવાના થયા હતા, જ્યાં તે 30 ડિસેમ્બર સુધી રોકાશે.
સૂત્રોએ ગુરુવારે માહિતી આપી હતી કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઇડી સમક્ષ હાજર થશે. કેજરીવાલે ઇડીના બીજા સમન્સનો જવાબ આપ્યો છે. તપાસ એજન્સીને મોકલવામાં આવેલા પોતાના જવાબમાં કેજરીવાલે કહ્યું કે,” હું કોઈપણ કાયદાકીય સમન્સનો જવાબ આપવા તૈયાર છું.” તેણે જવાબમાં લખ્યું, ‘મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમન્સ રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર છે.’
દિલ્હીના મુખ્યમંત્રીએ દારૂ નીતિ કૌભાંડ કેસમાં, તેમને જારી કરાયેલા ઇડીના બીજા સમન્સના જવાબમાં કહ્યું છે કે,’ ઇડીનું આ સમન્સ પણ, તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલા અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. ઇડીએ, આ સમન્સ પાછું ખેંચવું જોઈએ, જે રાજકીય રીતે પ્રેરિત છે. મેં મારું જીવન પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.’
નોંધનીય છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ, એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા અને તેમને 21 ડિસેમ્બરે હાજર થવા અને તેમનું નિવેદન નોંધવા કહ્યું હતું. ઇડી દ્વારા કેજરીવાલને મોકલવામાં આવેલ આ બીજું સમન્સ હતું. એજન્સીએ આ પહેલા 2 નવેમ્બરે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ‘નોટિસ અસ્પષ્ટ, (રાજકીય રીતે) પ્રેરિત અને કાયદા અનુસાર યોગ્ય ન હોવાનો’ આક્ષેપ કરીને કેજરીવાલ કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર/ સંજીવ / માધવી
