લખનૌ, નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) એ, રશિયાના મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં, કામ કરતા યુવકની મેરઠથી ધરપકડ કરી છે. પકડાયેલો યુવક હાપુડ જિલ્લાનો રહેવાસી છે. તેના પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ માટે, જાસૂસી કરવાનો આરોપ છે.
ઉત્તર પ્રદેશ એટીએસના એડીજી મોહિત અગ્રવાલે રવિવારે જણાવ્યું કે,” એટીએસએ, જાસૂસીના આરોપમાં હાપુડના રહેવાસી સત્યેન્દ્ર સિવાલની ધરપકડ કરી છે. તેઓ 2021 થી મોસ્કોમાં દૂતાવાસમાં ભારતના શ્રેષ્ઠ સુરક્ષા સહાયક તરીકે કામ કરી રહ્યા છે. પૂછપરછ દરમિયાન, આરોપીએ ભારતીય દૂતાવાસ, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાની હેન્ડલર્સને મોકલવાનું સ્વીકાર્યું. તલાશી દરમિયાન તેની પાસેથી મોબાઈલ ફોન, આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક ઓળખ કાર્ડ મળી આવ્યું હતું.”
અગ્રવાલે કહ્યું કે,” એટીએસને ગુપ્ત વિભાગ પાસેથી માહિતી મળી હતી કે, ભારતીય વિદેશ મંત્રાલયના કર્મચારીઓને પૈસાની લાલચ આપીને કેટલાક લોકો પાસેથી, આઈએસઆઈના હેન્ડલર્સ દ્વારા સેના સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવી રહી છે. આ પછી એટીએસ એ, સર્વેલન્સ દ્વારા ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું.
તપાસમાં સામે આવ્યું છે કે, દૂતાવાસમાં કામ કરતો સત્યેન્દ્ર સિવાલ આઇએસઆઇ હેન્ડલર્સને મહત્વની માહિતી આપતો હતો.” નક્કર પુરાવા મળ્યા બાદ સત્યેન્દ્ર સિવાલને, મેરઠના એટીએસ ફિલ્ડ યુનિટમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
