નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, તેમની સરકાર ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ શરૂ કરી રહી છે. તે દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને, એક કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે.
વડાપ્રધાને મંગળવારે ટ્વિટર પર પોસ્ટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે, લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ, દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.
તેમણે કહ્યું કે, યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત, આ યોજનાથી લોકોને વધુ આવક મળશે, વીજળીનું બિલ ઓછું થશે અને રોજગારીનું સર્જન થશે.
પ્રધાનમંત્રીએ અન્ય પોસ્ટમાં કહ્યું કે, ચાલો સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપીએ. હું તમામ રહેણાંક ગ્રાહકોને, ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે, તેઓ https://pmsuryagarh.gov.in પર અરજી કરીને પીએમ – સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મજબૂત કરે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યાથી પરત ફર્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.
