નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દુબઈના શાસક ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે, બુધવારે દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે, ડીપી વર્લ્ડ દ્વારા બનાવવામાં આવનાર ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત માર્ટ, જેબેલ અલી પોર્ટના વ્યૂહાત્મક સ્થાન અને લોજિસ્ટિક્સમાં શક્તિનો લાભ લઈને ભારત-યુએઈ દ્વિપક્ષીય વેપારને વધુ વધારશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માર્ટ ગલ્ફ, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરેશિયામાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડીને ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ક્ષેત્રોની નિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે.
