મુંબઈ, નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેને પાકિસ્તાની અને બ્રિટિશ નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ક્રાંતિ રેડકરે, આ મામલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોરેગાંવ પોલીસ સ્ટેશનની ટીમ આ મામલે સઘન તપાસ કરી રહી છે.
ક્રાંતિ રેડકરે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આ ધમકીની માહિતી આપી છે. ક્રાંતિ રેડકરે લખ્યું કે, મને મારા મોબાઈલ નંબર પર વિવિધ પાકિસ્તાની નંબરો અને યુકેના નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ છેલ્લા એક વર્ષથી થઈ રહ્યું છે. પોલીસને સમયાંતરે જાણ કરવામાં આવી હતી. આજે ફરીથી આ જ પ્રકારની ધમકીઓ મળી છે. ક્રાંતિએ આ ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને મુંબઈ પોલીસને ટેગ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે અને તેમની પત્ની ક્રાંતિ રેડકરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
