નવી દિલ્હી, 11 ઓક્ટોબર : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ‘કૃષ, ત્રિશ અને બાલ્ટીબોય (કેટીબી) ભારત હૈ હમ’ એનિમેશન શ્રેણી લોન્ચ કરી. આ શ્રેણી આઝાદીના ગુમનામ નાયકોની વાર્તાઓ પર કેન્દ્રિત છે. તે 15 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે દૂરદર્શનની તમામ ચેનલો સાથે નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો પર એકસાથે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ 11 મિનિટનો એનિમેશન પ્રોગ્રામ 12 ભારતીય ભાષાઓ અને હિન્દી અને અંગ્રેજી સહિત સાત આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં બનાવવામાં આવ્યો છે.
આ અવસર પર કેન્દ્રીય મંત્રી ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુમનામ નાયકોની વાર્તાને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવા માટે તેને તૈયાર કરવામાં આવ્યું છે. તેનો હેતુ આખી દુનિયાને રાણી અબક્કા જેવા આપણા ગુમનામ હીરો વિશે જણાવવાનો છે. આ શ્રેણી દ્વારા ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, જીવન અને સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં લગભગ 30 ટકા પાત્રો મહિલાઓ છે. આ દર્શાવે છે કે, સ્વતંત્રતા સંગ્રામમાં મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. અમૃતકાલના આગામી 25 વર્ષ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા પંચ પ્રાણ મંત્ર સાથે તેમના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓ પર આગળ વધી રહ્યું છે. આપણે ગુલામીની માનસિકતા છોડીને આપણા ગૌરવશાળી ઈતિહાસને આપણી સાથે લઈને સુવર્ણ ભવિષ્ય તરફ આગળ વધવું પડશે.
આ અવસર પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે, આજનો દિવસ ગર્વનો દિવસ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેન્ટ્રલ કોમ્યુનિકેશન બ્યુરોએ આ શ્રેણી તૈયાર કરી છે. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, આ સીરિઝ ચેનલો સાથે ઑટીટી પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.
