નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.): રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, આજે ગુરુવારે ભારત આવી રહ્યા છે. તેઓ 4-5 ડિસેમ્બર સુધી સત્તાવાર મુલાકાત પર રહેશે. લગભગ 30 કલાકની મુલાકાત દરમિયાન, પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 23મી ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં હાજરી આપશે. પુતિન ચાર વર્ષના અંતરાલ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 2021 માં, તેમણે ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ પુતિન, 4 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે બે દિવસીય મુલાકાત માટે દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી 7, લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના સન્માનમાં એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે.
રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતના સમયપત્રક મુજબ, પુતિન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે 5 ડિસેમ્બરે મહત્વપૂર્ણ કરાર થશે. શુક્રવારે સવારે, રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક ત્રિ-સેવા ગાર્ડ ઓફ ઓનર સાથે પુતિનનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ, તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ જશે.
આ પછી, સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન, હૈદરાબાદ હાઉસ ખાતે 23મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે. સંરક્ષણ, ઉર્જા, વેપાર, ટેકનોલોજી, અવકાશ અને વ્યૂહાત્મક સહયોગ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે. બેઠક બાદ બંને નેતાઓ સંયુક્ત નિવેદન બહાર પાડશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને રશિયા વચ્ચે અત્યાર સુધીમાં 22 સમિટ થઈ છે. પ્રધાનમંત્રી મોદી ગયા વર્ષે મોસ્કોની મુલાકાતે ગયા હતા, જ્યારે પુતિન છેલ્લે 2021 માં સમિટ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. સાંજે 4 વાગ્યે, બંને નેતાઓ ભારત મંડપમ ખાતે ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરશે. તેઓ વ્યાપાર પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ પછી, સાંજે લગભગ 7 વાગ્યે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રશિયન રાષ્ટ્રપતિ પુતિનના માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરશે. પુતિન 5 ડિસેમ્બરની રાત્રે રશિયા જવા રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
