આઈઝોલ, નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ. સ.) શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ના વડા અને મુખ્યમંત્રી જોરમથાંગા વિધાનસભા ચૂંટણી હારી ગયા. જોરમ પીપલ્સ મૂવમેન્ટ (જેડપીએમ)ના લાલથનસાંગા દ્વારા, તેમને પરાજય મળ્યો હતો. મિઝોરમ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી, જેડપીએમને સરકાર બનાવવા માટે પૂરતી બહુમતી મળી છે.
જેડપીએમ એ, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. પાર્ટીએ રાજ્યમાં 27 મોટી બેઠકો કબજે કરી છે. આ ચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને એમએનએફના વડા જોરમથાંગા, એઇઝોલ પૂર્વ-1 વિધાનસભા બેઠક પરથી ભારે માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા. તેમને જેડપીએમના લાલથનસાંગાએ હરાવ્યા હતા.
મિઝોરમની ચૂંટણી પરંપરા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે, ભૂતકાળમાં પણ અહીં મુખ્યમંત્રીઓ ચૂંટણી હારતા આવ્યા છે. તે જ સમયે, કોઈપણ પક્ષને અહીં સતત પાંચ વર્ષથી વધુ શાસન કરવાનો મોકો મળ્યો નથી. 2018ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. કોંગ્રેસને હરાવીને મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) સરકાર રચાઈ હતી. સત્તામાં હોવા છતાં કોંગ્રેસ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતું રાજ્ય હોવાથી કોંગ્રેસને આ રાજ્ય પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ચૂંટણીમાં એમએનએફ ને 10 બેઠકો મળી છે.
નોંધનીય છે કે, મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થયું હતું અને અન્ય ચાર રાજ્યોની સાથે રવિવારે મતગણતરી પહેલા કરવાની યોજના હતી. ચૂંટણી પંચે બાદમાં, રાજ્યમાં ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતી વસ્તી માટે રવિવારના વિશેષ મહત્વને કારણે મતગણતરી એક દિવસ માટે મોકૂફ રાખી હતી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સુનીલ / ડો. હિતેશ /માધવી
