ચેન્નાઈ, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ. સ.) તમિલનાડુના ચાર જિલ્લામાં ભારે વરસાદને કારણે, પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં આજે (સોમવારે) રજા જાહેર કરી છે.
થૂથુકુડી જિલ્લામાં એટલો ભારે વરસાદ થયો છે કે, મોટા ભાગના કટ્ટાબોમન નગર પાણીમાં ડૂબી ગયું છે. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. થુથુકુડી રેલ્વે સ્ટેશન પણ પાણી ભરાઈ ગયું છે. વિરૂદ્ધનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા કલેકટરે આજે શાળાઓમાં રજા જાહેર કરી છે.
દરમિયાન, થેની, ડીંડીગુલ, મદુરાઈ, શિવગંગા અને રામનાથપુરમ સહિત વેગાઈ ડેમના ડાઉનસ્ટ્રીમના પાંચ જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે સવારે 8 વાગ્યે વેગાઈ ડેમની જળ સપાટી 66.01 ફૂટ (મહત્તમ જળાશયનું સ્તર 71 ફૂટ) પર પહોંચ્યું હોવાના અહેવાલ છે. રવિવારે તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. કન્યાકુમારી સહિત અનેક જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
તિરુનેલવેલીમાં થમીરાબરાની નદીમાં ઉછાળો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, અધિકારીઓને દક્ષિણ તમિલનાડુમાં રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ હેઠળ કન્નડ ચેનલમાં વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો છે. સ્ટાલિને પૂર પ્રભાવિત જિલ્લાઓમાં મંત્રીઓને મોનિટર કરવા અને રાહત કામગીરી કરવા મોકલ્યા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રે બુલેટિનમાં જણાવ્યું હતું કે, શનિવારથી દક્ષિણ તમિલનાડુમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
