કુલગામ, નવી દિલ્હી,9 સપ્ટેમ્બર
(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે,
મંગળવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. રાતભર ગોળીબારમાં થોડી શાંતિ બાદ, આજે સવારે
આતંકવાદીઓ સામે કાર્યવાહી ફરી શરૂ થઈ.
સોમવારથી શરૂ થયેલ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. આ
આતંકવાદીઓમાંથી એક પાકિસ્તાની નાગરિક હોવાનું માનવામાં આવે છે. આ ઓપરેશનમાં આર્મી
મેજર પણ ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ઓપરેશન દરમિયાન
સબ-ઇન્સ્પેક્ટર પ્રભાત ગૌર અને લાન્સ નાયક નરેન્દ્ર સિંધુ તરીકે ઓળખાતા બે સૈનિકો
અને ફાયરિંગમાં આર્મી મેજર ઘાયલ થયા હતા. ગૌર અને સિંધુએ સારવાર દરમિયાન પોતાના
જીવનું બલિદાન આપ્યું હતું જ્યારે અધિકારીની હાલત, સ્થિર હોવાનું કહેવાય છે.”
સેનાના કાશ્મીર સ્થિત ચિનાર કોર્પ્સે એક ટ્વિટમાં જણાવ્યું
હતું કે,” તે દેશ માટે પોતાની ફરજ બજાવતી વખતે બહાદુર સબ-ઇન્સ્પેક્ટર પ્રભાત ગૌર
અને લેફ્ટનન્ટ કમાન્ડર નરેન્દ્ર સિંધુના સર્વોચ્ચ બલિદાનનું સન્માન કરે છે. તેમની
હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપશે.”
આ પહેલા, જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે, કુલગામના ગુદ્દર
જંગલમાં સેના, સીઆરપીએફ અને
પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જવાનોએ શંકાસ્પદ હિલચાલ જોઈ અને
જ્યારે તેમણે આતંકવાદીઓને પડકાર ફેંક્યો, ત્યારે તેમની સામે ગોળીબાર થયો. પ્રારંભિક માહિતી સૂચવે છે
કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક સ્થાનિક હતો જ્યારે બીજો વિદેશી આતંકવાદી છે,
જેનું કોડ નામ રહેમાન છે.
પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે ગુદ્દરમાં અથડામણ સ્થળની
મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સેનાની આગેવાની હેઠળના સંયુક્ત ઓપરેશનની પ્રશંસા કરી
હતી.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
