નવી દિલ્હી, 23 જાન્યુઆરી (હિ.સ.) વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની, કાયમી સભ્યપદની હિમાયત કરી છે. તેમણે કહ્યું છે કે,” સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે, ભારતને સુરક્ષા પરિષદમાં ચોક્કસપણે સ્થાન મળવું જોઈએ.”
એલન મસ્કે પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું છે કે,” વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં, કોઈક સમયે ફેરફાર કરવાની આવશ્યકતા છે. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે, ભારતને ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ. આમ ન કરવું એ વાહિયાત ગણાશે.” તેમણે યુએન પ્રમુખ એન્ટોનિયો ગુટરેસનું ટ્વીટ શેર કરીને, પોતાનો મત વ્યક્ત કર્યો છે. ટેસ્લાના વડા એલન મસ્કએ કહ્યું કે,” આફ્રિકા માટે સામૂહિક રીતે એક બેઠક પણ હોવી જોઈએ.”
હકીકતમાં, ગુટરેસે કહ્યું હતું કે,” સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં, આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે કોઈ નથી.” જેના જવાબમાં મસ્કે, આ પોસ્ટ કરી છે. નોંધનીય છે કે, હાલમાં પાંચ દેશો – અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા – યુએન સુરક્ષા પરિષદમાં, કાયમી સભ્યો તરીકે સામેલ છે. તેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ, થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / માધવી
