નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ. સ.) સાઉથના સ્ટાર ધનુષના મોટા પુત્ર યાત્રા રાજને, ચેન્નઈમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને હેલ્મેટ વગર, સુપરબાઈક ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. યાત્રા રાજની ઉંમર માત્ર 17 વર્ષની છે. તેથી તે ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાતુ નથી. તમિલનાડુ ટ્રાફિક પોલીસે, તેને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. લાયસન્સ ન હોવા ઉપરાંત, તેણે હેલ્મેટ પણ પહેર્યું ન હતું.
યાત્રા રાજ, બગીચામાં એક સુપરબાઈક ચલાવી રહ્યો હતો અને તેનો કોચ તેને બાઇક ચલાવતા શીખવી રહ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, બાદમાં વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. જેમાં યાત્રા રાજ બાઇક ચલાવતી વખતે, માસ્ક પહેરેલ જોવા મળ્યો હતો અને પોલીસ તપાસ બાદ ખબર પડી કે, તે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનો મોટો પુત્ર છે. આ પછી પોલીસ અધિકારીઓ, દંડ વસૂલવા ધનુષના ઘરે ગયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ, તેની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ધનુષ અને ઐશ્વર્યા અલગ થઈ ગયા છે, પરંતુ બંને પોતાના બાળકોની માતા-પિતા તરીકે કાળજી લઈ રહ્યા છે. 2022 માં, બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા, તેમના અલગ થવાની જાહેરાત કરી. તેઓએ આ નિર્ણય પાછળનું કારણ નથી જણાવ્યું પરંતુ કહ્યું કે,’ બંનેએ સાથે મળીને આ નિર્ણય લીધો છે.’ ધનુષ અને ઐશ્વર્યા મોટાભાગે, તેમના પુત્રના સ્કૂલના ફંક્શનમાં સાથે જાય છે. બંનેના ફરી સાથે આવવાની ઘણી વાતો ચાલી રહી છે, પરંતુ ધનુષ કે ઐશ્વર્યાએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
દરમિયાન, ધનુષ હાલમાં ‘કેપ્ટન મિલર’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2024માં પોંગલ પર રિલીઝ થશે. અરુણ માથેશ્વરન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં પ્રિયંકા મોહન, શિવરાજકુમાર અને સંદીપ કિશન પણ મુખ્ય ભૂમિકામાં છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / પવન / માધવી
