નવી દિલ્હી, બોક્સ ઓફિસ પર ઓમ રાઉતની ‘આદિપુરુષ’ના જોરદાર ફ્લોપ બાદ દર્શકો રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા માટે અભિનેતા રણબીર કપૂરની પસંદગી કરવામાં આવી છે. સીતાના રોલ માટે જાહ્નવી કપૂર અને સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ જાહ્નવી કપૂરે કન્ફર્મ કર્યું કે, આ તમામ અહેવાલો ખોટા છે.
આ દરમિયાન, આ ફિલ્મના કાસ્ટિંગને લઈને ઘણી બાબતો સામે આવી છે. આ પહેલા આલિયા ભટ્ટ સીતાનું પાત્ર ભજવવા જઈ રહી હતી પરંતુ કોઈ કારણસર તેણે તેમ કરવાની ના પાડી દીધી હતી. હવે સ્પષ્ટ છે કે આ પાત્ર માટે સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં, એવી પણ ચર્ચા હતી કે, કેજીએફ સ્ટાર યશ, રાવણના રોલમાં જોવા મળશે અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, લારા દત્તા, હરમન બાવેજા જેવા કલાકારો પણ તેમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મને લઈને જે વાતો સામે આવી છે તે મોટાભાગની અફવાઓ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમાચાર સાચા હોવાનું કહેવાય છે કે, ફિલ્મમાં માત્ર રણબીર કપૂર અને સાઈ પલ્લવીને જ કાસ્ટ કરવામાં આવ્યા છે. એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અન્ય કલાકારોની કાસ્ટિંગ હજુ સુધી કરવામાં આવી નથી પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે માત્ર અફવા છે.
ફિલ્મમાં વિલંબ થવાનું કારણ અલગ છે, કેટલાક આંતરિક મતભેદ છે, જેને ઉકેલવા ખૂબ જ જરૂરી છે. ત્યાર બાદ જ ફિલ્મને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી જોવા મળવાના સમાચારને સમર્થન મળ્યું છે. અન્ય તમામ રિપોર્ટ ખોટા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
