નવી દિલ્હી, 31 ઓકટોબર : બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓએ તેમનાથી મોટી ઉંમરના કલાકારોની માતાની ભૂમિકા ભજવી છે. તાજેતરની ફિલ્મ ‘જવાન’માં, 39 વર્ષની રિદ્ધિ ડોગરાએ 57 વર્ષીય શાહરૂખ ખાનની માતાની ભૂમિકા ભજવી હતી. આવી જ એક અભિનેત્રી શેફાલી શાહે, ફિલ્મ ‘વક્ત’માં અક્ષયની માતાનો રોલ કર્યો હતો. હવે શેફાલીએ એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે,’ હવે તે ક્યારેય અક્ષયની માતાની ભૂમિકા ભજવશે નહીં.’
એક પ્રશ્નના જવાબમાં શેફાલી શાહે કહ્યું, ‘હું તમને પ્રમાણિકતાથી કહી શકું છું કે મને, ઘણા સારા લોકો સાથે કામ કરવાની તક મળી, હું ખુશ છું. હું આ એટલા માટે નથી કહેતી કે, આવો જવાબ સાંભળીને સારું લાગે છે, પરંતુ તે સાચું છે. મેં એવા દિગ્દર્શક અને અભિનેતા સાથે કામ કર્યું છે જેઓ ખૂબ જ મતલબી હતા. ઉપરાંત, મેં એવા તમામ દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું છે, જેમને લાગે છે કે કલાકારો માત્ર કલાકારો જ નહીં પણ સહયોગી છે.’ શેફાલીએ મંચ પરથી કહ્યું, ‘હું વચન આપું છું કે હું મારા જીવનમાં ક્યારેય અક્ષય કુમારની માતાનો રોલ નહીં કરું.’
ખરેખર, શેફાલીએ 2005માં આવેલી ફિલ્મ ‘વક્તઃ ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ’માં અક્ષય કુમારની માતાની ભૂમિકા ભજવી હતી. તે સમયે તે અક્ષય કરતા પાંચ વર્ષ નાની હતી. તે સમયે શેફાલી 32 વર્ષની હતી, જ્યારે અક્ષય 37 વર્ષનો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડા પણ હતા.
