નવી દિલ્હી, પેટીએમ ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. તમારું પેટીએમ યુપીઆઈ પહેલાની જેમ કામ કરશે. કંપનીએ પોતાના ગ્રાહકોની મૂંઝવણ દૂર કરવા માટે આ માહિતી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પ્રતિબંધની અસર માત્ર પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર પડશે અને પેટીએમ પર નહીં.
પેટીએમ એ શુક્રવારે એક્સ’ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં કહ્યું કે,” હવે પેટીએમ યુપીઆઈ સત્તાવાર રીતે કામ કરશે. અમે મલ્ટી-બેંક મોડલ હેઠળ થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (ટીપીએપી) તરીકે યુપીઆઈ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ ) તરફથી લાઇસન્સ પ્રાપ્ત કર્યું છે. જોકે, પેટીએમ ગ્રાહકો માટે બીજો મોટો ફેરફાર થશે.” પેટીએમ એ જણાવ્યું હતું કે,” વપરાશકર્તાઓ તેમના તરફથી કોઈપણ ફેરફાર કર્યા વિના @પેટીએમ હેન્ડલનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.”
મોડી રાત્રે એનપીસીઆઈ એ ચાર મોટી બેંકો એક્સિસ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) અને યસ બેંકને પેટીએમ સાથે જોડાણને મંજૂરી આપી છે. આ તમામ પેટીએમ ની પેરન્ટ કંપની વન-97 કોમ્યુનિકેશન લિમીટેડ માટે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરશે. તે જ સમયે, યસ બેંકને પેટીએમ માટે વર્તમાન અને નવા યુપીઆઈ વેપારીઓને હસ્તગત કરવા માટે બેંક તરીકે કાર્ય કરવા માટે અધિકૃત કરવામાં આવી છે. આનાથી પેટીએમ થી યુપીઆઈ સેવાનો ઉપયોગ કરતા કરોડો લોકોને ફાયદો થશે.
નોંધનીય છે કે, પેટીએમના યુપીઆઈ વ્યવહારો પહેલા પેટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીપીબીએલ) દ્વારા કરવામાં આવતા હતા. રિઝર્વ બેંક દ્વારા પીપીબીએલ પર 15 માર્ચ, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતામાં ડિપોઝિટ, ક્રેડિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન-97 કોમ્યુનિકેશન લિમીટેડ (ઓસીએલ) પીપીબીએલ માં 49 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે કંપનીના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા પીપીબીએલ માં 51 ટકા હિસ્સો ધરાવે છે.
