નવી દિલ્હી, નાણા મંત્રાલયે સોમવારે કહ્યું કે,” ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં લોકો માટે નવી આવકવેરા પ્રણાલીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, વ્યક્તિગત કરદાતાઓ તેમની આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરતી વખતે આ વ્યવસ્થામાંથી બહાર નીકળી શકે છે.”
નાણા મંત્રાલય દ્વારા ‘એક્સ’ પોસ્ટ પર જારી કરાયેલા નિવેદનમાં આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, જાહેર કરાયેલી માહિતી પછી આવી છે. જેમાં 1 એપ્રિલ 2024થી, લાગુ નવી ટેક્સ સિસ્ટમમાં કેટલાક ફેરફારોનો દાવો કરવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે,” 1 એપ્રિલ 2024 થી, કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી.”
મંત્રાલયે કહ્યું છે કે,” નવી આવકવેરા પ્રણાલી ‘ડિફોલ્ટ’ ટેક્સ સિસ્ટમ છે. જો કે, કરદાતાઓ આવકવેરા પ્રણાલી (જૂની કે નવી) પસંદ કરી શકે છે જે તેમને લાગે છે કે, તેઓ તેમના માટે ફાયદાકારક છે.” નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર,” નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર ફાઈલ કરવા સુધી નવી કર વ્યવસ્થામાંથી નાપસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.”
નોંધનીય છે કે, 1 એપ્રિલ 2023 થી શરૂ થતા, નાણાકીય વર્ષ 2023-24માં લોકો માટે એક સુધારેલી નવી કર પ્રણાલી લાગુ કરવામાં આવી હતી. જે હેઠળ કરના દરો ખૂબ ઓછા છે. નવી કર વ્યવસ્થામાં જૂની આવકવેરા વ્યવસ્થાની જેમ વિવિધ મુક્તિઓ અને અન્ય કપાત (પગારમાંથી રૂ. 50,000 અને કુટુંબ પેન્શનમાંથી રૂ. 15,000ની પ્રમાણભૂત કપાત સિવાય)નો લાભ મળવા પાત્ર નથી.
