નવી દિલ્હી, 02 એપ્રિલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ, મંગળવારે વિસ્તારા એરલાઈન્સને ફ્લાઇટ કેન્સલેશન તેમજ ફ્લાઇટમાં વિલંબ અંગેની દૈનિક માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. ઉડ્ડયન નિયમનકારે ક્રૂ સભ્યોની ઉપલબ્ધતા અને અન્ય ઘણા કારણોસર વિસ્તારાની ફ્લાઇટમાં વિલંબને ધ્યાનમાં રાખીને કંપનીને આ આદેશ આપ્યો છે.
એક નિવેદનમાં, ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ એ જણાવ્યું હતું કે, વિસ્તારા એરલાઇન્સમાં વિવિધ ફ્લાઇટ અવરોધોને ધ્યાનમાં રાખીને, તેણે એરલાઇનને રદ અને વિલંબિત ફ્લાઇટ્સની દૈનિક માહિતી અને વિગતો પ્રદાન કરવા કહ્યું છે. ડીજીસીએના અધિકારીઓ ફ્લાઇટ કેન્સલેશન અને વિલંબના કિસ્સામાં મુસાફરોને સુવિધાઓ પૂરી પાડવા માટેની આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે પરિસ્થિતિ પર પણ નજર રાખી રહ્યા છે.
ક્રૂ ની અનુપલબ્ધતાને કારણે એરલાઈને સોમવારે લગભગ 50 ફ્લાઈટ્સ રદ કરી હતી, જ્યારે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી. વિસ્તારાએ ક્રૂની સમસ્યા વચ્ચે અસ્થાયી રૂપે તેની ફ્લાઇટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેના કારણે આજે લગભગ 70 ફ્લાઇટ્સ રદ થવાની ધારણા છે. વાસ્તવમાં વિસ્તારા એરલાઇનના એર ઇન્ડિયા સાથે મર્જરની પ્રક્રિયા ચાલી રહી છે.
