નવી દિલ્હી, 01 નવેમ્બર : દિવાળી પહેલા તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં 101.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. જોકે ઘરેલુ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવો દર બુધવારથી અમલમાં આવી ગયો છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1,731 રૂપિયાથી વધીને 1,833 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 1,684 રૂપિયાથી વધીને 1,785.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર, કોલકતામાં તે 1,839.50 રૂપિયા થી વધીને 1,943 રૂપિયા અને ચેન્નાઈમાં 1,898 રૂપિયાને બદલે 1,999.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે બરાબર એક મહિના બાદ એટલે કે 1 નવેમ્બરે ફરી તેમાં વધારો કરવામાં આવ્યો છે.
