નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ. સ.) કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી) ના કામચલાઉ પગારપત્રક ડેટા અનુસાર, ઓક્ટોબરમાં ઇએસઆઈ યોજના હેઠળ 17.28 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. ઓક્ટોબરમાં લગભગ 23,468 નવી સંસ્થાઓ નોંધાઈ છે. આ સાથે, કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ, તેમના કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરીને, વધુ કવરેજની ખાતરી કરવામાં આવી છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દેશના યુવાનો માટે વધુ નોકરીઓનું સર્જન થયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર, 2023 દરમિયાન સામેલ કરાયેલા કુલ 17.28 લાખ કર્મચારીઓમાંથી 8.25 લાખ કર્મચારીઓની ઉંમર 25 વર્ષ સુધીની છે. આ નવા રજીસ્ટ્રેશન સર્વોત્તમ છે, જે કુલ કર્મચારીઓના 47.76 ટકા છે.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા પેરોલ ડેટાનું જાતિ-વાર વિશ્લેષણ દર્શાવે છે કે, ઓક્ટોબર, 2023 માં કુલ 3.31 લાખ મહિલા સભ્યોની નોંધણી કરવામાં આવી છે. ડેટા દર્શાવે છે કે, ઓક્ટોબર મહિનામાં ઇએસઆઈ યોજના હેઠળ કુલ 51 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ પણ નોંધણી કરાવી છે. જે દર્શાવે છે કે, ઇએસઆઈસી તેની યોજનાનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / ડો. હિતેશ / માધવી
