નવી દિલ્હી,15 ઓક્ટોબર : તણાવગ્રસ્ત ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારના ઓપરેશન અજય અંતર્ગત આજે સવારે ચોથી ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટ દ્વારા 274 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે તેમના વતન પરત ફર્યા છે. આ પહેલા શનિવારે 197 ભારતીય નાગરિકોનું ત્રીજું જૂથ સ્પેશિયલ ફ્લાઈટમાં ઈઝરાયેલ જવા રવાના થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકોની સુવિધા માટે 12 ઓક્ટોબરથી ઓપરેશન અજય હેઠળ વિશેષ ફ્લાઇટ્સ શરૂ કરી છે. પેલેસ્ટાઈનના કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલના શહેરો પર ભયાનક હવાઈ હુમલા બાદ તણાવ ઉભો થયો છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે X હેન્ડલ પર નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચતી ચોથી ફ્લાઇટના સારા સમાચાર શેર કર્યા છે. ઇઝરાયેલથી પ્રથમ વિશેષ ફ્લાઇટ ગુરુવારે 212 લોકોને લઇને રવાના થઇ હતી. 235 ભારતીય નાગરિકોના બીજા જૂથે શુક્રવારે મોડી રાત્રે ઉડાન ભરી હતી. આ તમામ ભારતીય નાગરિકો ઘરે પહોંચી ગયા છે. લગભગ 18,000 ભારતીય નાગરિકો, જેમાં નર્સ, વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે, ઇઝરાયેલમાં રહે છે. 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર અભૂતપૂર્વ હુમલા બાદ ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે.
