હિંમતનગર, લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં સાતમા તબક્કામાં મતદાન થનાર છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 16 માર્ચથી ચૂંટણીની આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારથી આજદિન સુધી કરેલી કામગીરી હિસાબ પોલીસ વિભાગે આપ્યો છે. સાબરકાંઠા પોલીસ તંત્ર દ્વારા ચૂંટણીનું સરળ સંચાલન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે આશયથી પોલીસ તંત્ર દ્વારા 10 આંતર રાજ્ય ચેકપોસ્ટ કાર્યરત કરી દેવામાં આવી છે. તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલના માર્ગદર્શન હેઠળ 16 માર્ચથી આચારસંહિતા અમલી બની છે. ત્યારે તે દિવસે 10 આંતર રાજ્ય ચેકપોસ્ટ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યાં રાઉન્ડ ધ કલોક જવાનો ફરજ બજાવી રહ્યા છે. તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા કાર્યરત છે. એટલું જ નહીં પણ આચારસંહિતા અમલી બની તે દિવસથી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા 63 પ્રોહીબીશનના કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાંથી અંદાજે રૂ.4.35 લાખનો 1345 લીટર દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સાથોસાથ અત્યાર સુધી 1272 બિનજામીન પાત્ર વોરંટની બજવણી કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા 1265 હથિયારો જમા લેવામાં આવ્યા છે. તો 6257 અટકાયતી પગલાં લેવાયા છે.
પોલીસ દ્વારા દેશી દારૂના અંદાજે 662 કેસ કરાયા છે. જે અંતર્ગત અંદાજે 3018 લીટર રૂ.60360નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. વિદેશીદારૂના 54 કેસ કરી અંદાજે રૂ.8,93,560ની કિંમતની 5040 બોટલ પકડી પાડવામાં આવી છે. સાથો સાથ આદર્શ આચારસંહિતાના કડક અમલના ભાગરૂપે સાબરકાંઠા પોલીસ દ્વારા 6 ટીમો બનાવી વિવિધ રાજયોમાં મોકલી અપાઈ હતી. જે મુજબ નાસતા ફરતા પૈકી 86 શકમંદોને પોલીસે ઝડપી લીધા છે. ઉપરાંત રાજસ્થાનના 34 ગુનેગારોને પકડવા માટે અસરકારક કામગીરી કરાઈ રહી છે અને અત્યાર સુધીમાં પોલીસ 3 ગેરકાયદે હથિયારો જપ્ત કર્યા છે.
