– અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું
અમદાવાદ,09 એપ્રિલ હિન્દુ વર્ષના પંચાંગનો પહેલો મહિનો તેમજ મા દુર્ગાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજે પ્રારંભ થતાં શક્તિપીઠ એવા અંબાજી અને પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારે દર્શનાર્થીઓ માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્ત્વ હોય છે. અંબાજી મંદિરમાં ભક્તો ગરબે રમતા અને આરાધના કરતા જોવા મળી રહ્યા છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.
જ્યારે પાવાગઢ મહાકાળી મંદિરે પાવાગઢ મહાકાળી મંદિરે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમડી પડી.પાવાગઢ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ આપી હતી અને નવ દિવસ સુધી આવનારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવા પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે.
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે માઈભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આજે સવારે મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના શિખર ઉપર 358 નાના-મોટા કળશ લાગેલા છે. શક્તિદ્વારથી મંદિર પરિસરમાં અલગ અલગ જગ્યા ઉપર રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના નૃત્ય મંડપ નીચે ચૈત્રી નવરાત્રિ અખંડ ધૂન મંડળ દ્વારા સતત દસ દિવસ સુધી અખંડ ધૂન શરૂ થઈ ગઈ છે.
વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટીમાંથી માચી સુધી અને માચીથી મંદિર જવાના રેવાપથ ઉપર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. હાલ પરીક્ષાના માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહેલાં નોરતે માતાજીનાં દર્શને પહોંચ્યા હતા.
અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની અને સાંજની આરતી સાત વાગે કરવામાં આવે છે. ચૈત્ર સુદ બીજથી ચૈત્ર સુદ આઠમ સુધી સવારે બે મંગળા આરતી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સવારે મંગળા આરતીમાં ભક્તો જોડાયા હતા અને અંબિકેશ્વર મહાદેવમાં પણ મંગલા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.
