ચિત્રકૂટ, નવી દિલ્હી, 02 એપ્રિલ ઉત્તર પ્રદેશના ઝાંસી-મિર્ઝાપુર હાઈવે પર આજે (મંગળવારે) સવારે લગભગ 5.30 વાગ્યે સ્પીડને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓવરટેક કરી રહેલા ઓટોને સામેથી પૂરપાટ આવતા ડમ્પરે ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો.
ઓટોમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બેના સારવાર દરમિયાન મોત થયા હતા. ત્રણ ઘાયલોની સારવાર ચાલી રહી છે. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. ડમ્પર પાછળ છોડી ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત કર્વી કોતવાલી વિસ્તારના અમનપુર ગામમાં થયો હતો.
જણાવવામાં આવ્યું છે કે, ઓટો ચિત્રકૂટધામ કર્વી રેલવે સ્ટેશનથી મુસાફરોને લઈને રામઘાટ જઈ રહી હતી. તેમાં નવ લોકો હતા. જ્યારે ઓટો અમનપુર પહોંચી ત્યારે તેણે આગળ જતા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને ભરતકુપ તરફથી આવતા ડમ્પરે ટક્કર મારી હતી.
કર્વી કોતવાલી ઈન્ચાર્જ ઉપેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, અકસ્માત બાદ ડ્રાઈવર ડમ્પર છોડીને ભાગી ગયો. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચેય મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
