વડોદરા/અમદાવાદ, વડોદરાના પાદરા વિસ્તારમાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થતાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જ્યારે ટોળાએ પેટ્રોલ પંપ ઉપર ખુરશીઓ તોડી નાખી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવાતી વખતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ઝપાઝપી થઈ હતી અને બે કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.
બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દિપકભાઇ જોષી ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતાં ખુરશીઓની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલાના થાળ પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
