
– વાંચન તણાવ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે જે તન-મનને તંદુરસ્ત રાખે છે : થર્સ-ડે થોટ્
સુરત,જેમ શરીર માટે સારા ખોરાકની જરૂર છે તેમ મન માટે સારા વિચારની જરૂર છે. વર્તમાનમાં લોકો વધુ માનસિક તણાવ અનુભવી રહ્યા છે ત્યારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. 28 માર્ચ ગુરુવારે જમનાબા ભવન ખાતે યોજાયેલ ૫૪ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, મનને મરકર સાથે સરખાવવામાં આવ્યું છે. માણસને દર ક્ષણે મનમાં વિચારો દોડતા હોય છે. ત્યારે મનમાં સારા વિચારો ઉગાડવાનું કામ વાંચન કરે છે. પુસ્તક માત્ર જાણકારી કે માહિતી નથી આપતુ. પરંતુ, તે મનને શાંતિ, ઉર્જા, ખુશી અને દિશા આપે છે. મનમાં ઉદભવતા પ્રશ્નોનું સમાધાન પણ મળે છે. અન્ય શોખ માટે સમય અને ખર્ચ કરવા પડે છે. પરંતુ, પુસ્તક વાંચનનો શોખ સરળ અને શ્રેષ્ઠ છે. જયારે પણ નવરાશ મળે ત્યારે તમે પુસ્તક વાંચી શકો છો. મુસાફરીમાં ઘણા લોકો પુસ્તકો વાંચતા હોય છે. જયારે પણ સમય મળે ત્યારે મનને ખોટા વિચારો કરવા દેવા કરતા વાંચન કરવાથી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ થશે. તેમ જણાવી તેઓએ નવો વિચાર રજુ કરતા જણાવ્યું હતું કે, વાંચન, સમયનો સદઉપયોગ છે. જે શાંતિ અને સમાધાન આપે છે. અનેક ઉદાહરણ સાથે જણાવ્યું હતું કે, જો વ્યક્તિએ અસામાન્ય બનવું જોય તો વાંચનની ટેવ પડવાની જરૂર છે. વાંચન સાથે ચિંતન પણ થાય તો વ્યક્તિને ટોળામાંથી જુદા પાડી વિશેષ બનાવે છે. ખરેખર વર્તમાન ભાગદોડ ભરી જીંદગી અને નાણા તથા આરોગ્ય અને અનેક પ્રશ્નોથી માણસ પરેશાન છે. હાર્ટએટેક અને સ્ટ્રોક જેવા રોગનું મુખ્ય કારણ માનસીક તણાવ છે. ખરેખર માનસીક તણાવ ધટાડવા માટે વાંચન શ્રેષ્ઠ માર્ગ છે. વાંચન તન અને મનને તંદુરસ્ત રાખે છે. પુસ્તક જ્ઞાનનો ખજાનો છે. જે વ્યક્તિને જીવનની દિશા, જીવવા માટે પ્રેરણા અને સફળતા મળે છે. કે. એમ કોલડીયા- ચીફ ઓફિસર, અંકલેશ્વર મનમાં દ્રઢ ઈચ્છા, મહેનત અને વાંચનનો શોખ હોય તો ગમે તેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકાય છે. વાંચન માણસને અસામાન્ય બનાવે છે તેના ઉદાહરણરૂપ અંકલેશ્વર નગર પાલિકાના ચીફ ઓફિસર કે. એમ. કોલડિયા એ પુસ્તક વાંચનના મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મનને તંદુરસ્ત રાખવા વાંચન શ્રેષ્ઠ દવા છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે. તે રીતે વાંચન પણ આત્માનો ખોરાક છે. જગતની તમામ ક્રાંતિ.. વિચારથી આવી છે. ખરેખર વાંચનમાં મોટી તાકાત છે. વાંચન વ્યક્તિને માણસ માંથી મહાત્મા બનાવે છે. વાંચનના શોખને કારણ જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી ક્લાસ વન અધિકારી બનેલા શ્રી કે. એમ. કોલડિયા એ લોકોને વાંચનની ટેવ પાડવા અનુરોધ કર્યો હતો. મોબાઈલ અને સોશીયલ મીડિયાથી દુર રહેવું હોય તો વાંચન શ્રેષ્ઠ ઉપાય છે. સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની પ્રથમ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ 1983 માં શ્રી સૌરાષ્ટ્રવાસીઓની સુરતમાં પ્રથમ સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી માવજી ડી. માવાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વરાછા રોડ પર પ્રથમ શરૂ થયેલ જે. ડી. ગાબાણી પુસ્તકાલય અને ડી. બી. તેજાણી વાંચનાલય હજારો વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરમાં ઉપયોગી છે. તેની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર માવજી ડી. માવાણીએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતમાં પણ કાર્ય કર્યું છે. હવે જમનાબા ભવન ખાતે દિવાળી સુધીમાં પુસ્તકાલય તથા વાંચનાલય શરૂ થનાર છે ત્યારે, માવજીભાઈનુ વિશેષ સન્માન કરી પટેલ સમાજે કૃતજ્ઞતાભાવ પ્રગટ કર્યો છે. વાર્તા કરી બાળકોને વાંચવાની ભૂખ જગાડનાર નયનાબેનનું અભિવાદન વાર્તાઓ કહી બાળકોને પુસ્તક વાંચવાની ભૂખ જગાડનાર નયના દિનેશ ઠુંમર તેમની દીકરી શ્રેયા ને લંડન ખાતે રૂ. 3 કરોડનો પગાર છે. જયારે નાની દીકરી ભક્તિ આજે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં ભણે છે. દીકરીઓમાં અમાપ સિદ્ધિ પાછળ વિપુલ વાંચન છે. આ વાંચન માટે ટેવ પડાવનાર ખુબ સારા વાંચક નયનાબેન ઠુંમરનું વિશેષ સન્માન કરી પુસ્તક વાંચન માટે લોકોને પ્રેરણા આપી હતી. નવા પુસ્તકાલય-વાંચનાલય માટે તડામાર તૈયારી શરૂ વરાછા-કામરેજ રોડ ખાતે નિર્માણ પામેલ જમનાબા ભવન ખાતે ટૂંક સમયમાં પુસ્તકાલય તથા વાંચનાલયનો પ્રારંભ થનાર છે. તે માટે પુસ્તકાલય કમિટી બનાવી તે માટે પુસ્તકોની ખરીદી તથા ફર્નીંચર વ્યવસ્થા અંગે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેળવણીકાર પરબત ડાંગશીયા, પરેશ સવાણી અને કે. એમ. વઘાસીયાના નેતૃત્વમાં પુસ્તકાલય-વાંચનાલય કમિટી કાર્યરત કરવામાં આવી છે. તે અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતા હાર્દિક ચાંચડે જણાવ્યું હતું કે, પુસ્તક જ સારા વિચારોનું પ્રાપ્તિસ્થાન છે. ગત ગુરૂવારના વિચાર અંગે અમુલખ સવાણીએ જણાવ્યું હતું કે વાંચન જ સરળ અને શ્રેષ્ઠ શોખ છે. યુવા ટીમે વ્યવસ્થા સંભાળી હતી.
