



પાટણ,ફેબ્રુઆરી; આજ રોજ મોડેલ સ્કૂલ સમીમાં ડૉ. સી.વી.રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાજરુપે સાયન્સ એક્ઝીબેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ પ્રાર્થના સભામાં સી.વી.રામન.વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સાયન્સ લેબમાં શાળાના બાળકો દ્વારા ડુંગળી કોષની સ્લાઇડ બનાવી માઈક્રોસ્કોપ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.
એસિડ બેઇઝ પ્રયોગો, બીપી તપાસ.સ્ટેથોસ્કોપ ઉપયોગ વગેરે બાળકોને શીખવવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રોજેકટ જેવા કે ગાડીમાં બ્રેક મારવાથી વીજળી ઉત્પન્ન કરવી, સોલેનોઇડ અને ટેસ્લા કોઇલના પ્રયોગો કરવામાં આવ્યા હતા. બાળકોને શાળાની લેબના તમામ સાધનોનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ માટે કન્યા શાળાની ધોરણ 8ની બાળકીઓએ શાળાની મુલાકાત લીધી અને વિજ્ઞાનના પ્રયોગોનું જ્ઞાન મેળવ્યું તથા પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ ભાગ લેનાર બાળકોને પ્રશ્નોતરી કરવામાં આવી અને તેમને ભાગ લીધા બદલ પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય એસ.જે.દવે દ્વારા અને સંચાલન શાળાના વિજ્ઞાન ગણિતના ઉત્સાહી શિક્ષક નીકુલભાઈ અને દિપીકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ વિજ્ઞાન વિષયમાં પ્રયોગો દ્વારા ખુબ રસપ્રદ માહિતી મેળવી અને બાળકો અને સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
