કાબુલ, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી : વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અબુધાબીમાં, 28 ફેબ્રુઆરીથી શરૂ થનારી આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ માટે, અફઘાનિસ્તાનની ટીમમાં સ્થાન મેળવ્યા બાદ સંભવિત ટેસ્ટ ડેબ્યૂ માટે લાઇનમાં છે.
લેગસ્પિનર ખલીલ ગુરબાઝ, જે અનકેપ્ડ છે, અને તેણે અત્યાર સુધી માત્ર દસ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. તેને પણ 16 સભ્યોની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખલીલે તે દસ મેચોમાં, 28.52ની એવરેજ અને 3.72ના ઈકોનોમી રેટથી 40 વિકેટ લીધી છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ ઈબ્રાહિમને, ગયા વર્ષે જૂનમાં બાંગ્લાદેશ પ્રવાસમાં ટીમનો ભાગ બન્યા બાદ પરત બોલાવવામાં આવ્યો હતો. 25 વર્ષીય ઇબ્રાહિમ ટેસ્ટ ક્રિકેટમાં પણ અનકેપ્ડ છે.
યામીન અહમદઝાઈ અને મોહમ્મદ સલીમ, જેઓ શ્રીલંકા સામેની એકમાત્ર ટેસ્ટ માટે અફઘાનિસ્તાનની તાજેતરની ટીમનો ભાગ હતા. તેઓ ઈજાના કારણે આ વખતે રમ્યા ન હતા. 40 ફર્સ્ટ ક્લાસ મેચ બાદ 60.90ની એવરેજ ધરાવતા બહિર શાહને ટીમમાં જગ્યા મળી છે.
એસીબીના વચગાળાના મુખ્ય પસંદગીકાર અહેમદ શાહ સુલેમાનખિલે, સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીમએ ખેલાડીઓ સાથે કામ કરવા અને શ્રેણીની તૈયારી કરવા માટે અબુધાબીમાં 10-દિવસીય કન્ડીશનીંગ કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાં 22 ખેલાડીઓ અને તમામ સપોર્ટ સ્ટાફનો સમાવેશ થતો હતો. અમે કાર્યવાહીનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું છે અને ટીમ પસંદ કરી છે. જેમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. જેમણે તાજેતરની સ્થાનિક સ્પર્ધાઓ દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે.
અફઘાનિસ્તાનની ટીમ આ પ્રમાણે છે-
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમત શાહ (વાઈસ-કેપ્ટન), ઈકરામ અલીખાઈલ (વિકેટકીપર), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, નૂર અલી ઝદરાન, અબ્દુલ મલિક, બહિર શાહ, નાસીર જમાલ, કરીમ જનાત, ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, ઝિયા-ઉર-રહેમાન, નિજાત મસૂદ, ઈબ્રાહિમ અબ્દુલરહીમઝાઈ, નવીદ ઝદરાન.
