નવી દિલ્હી, ૧૭ ફેબ્રુઆરી : વરિષ્ઠ ફિલ્મ વિવેચક અને વિદ્વાન પ્રહલાદ અગ્રવાલે શુક્રવારે, દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળામાં સાહિત્યકાર અજય કુમાર શર્માના પુસ્તક, ‘બોલિવૂડ કે અનકહે કિસ્સે’ નું લોન્ચિંગ કર્યું. આ પુસ્તક સંધીશ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ પુસ્તક છેલ્લા બે વર્ષમાં હિન્દુસ્થાન સમાચાર બહુભાષી સમાચાર એજન્સી માટે સિનેમા ‘બોલિવૂડ કે અનકહે કિસ્સે’ પરની તેમની સાપ્તાહિક કૉલમમાંથી, પસંદ કરેલા લેખોનું સંકલન છે. લેખકે આ પુસ્તકનું નામ પણ કોલમ પરથી રાખ્યું છે.
પત્રકારત્વ અને સાહિત્ય સર્જનનો લાંબો અનુભવ ધરાવતા અજયકુમાર શર્મા, ચાર દાયકાથી દેશના મુખ્ય અખબારો અને સામયિકોમાં સાહિત્ય, સંસ્કૃતિ, નાટક, ઈતિહાસ, સિનેમા અને સામાજિક વિષયો પર સતત લેખન કરી રહ્યા છે. હાલમાં તેઓ સાહિત્ય અકાદમીના સહાયક સંપાદક છે.
આ લેખોની ખાસ વાત એ છે કે, તેમના દ્વારા તેઓ હિન્દી સિનેમાના ઈતિહાસને લગતી નવી સંશોધન આધારિત સામગ્રી બહાર લાવે છે. આ વાર્તાઓ માત્ર ગપસપ નથી, પરંતુ તે સમયના સિનેમા સાથે સંબંધિત પદ્ધતિઓ, વિચારસરણી, સંસ્કૃતિ અને કાર્યશૈલી વિશે રસપ્રદ માહિતી આપે છે.
લેખકને અભિનંદન આપતાં ફિલ્મ વિવેચક પ્રહલાદ અગ્રવાલે જણાવ્યું હતું કે, સિનેમા એ આધુનિક નાટ્ય શાસ્ત્ર છે અને તેના પર આવું ગંભીર લેખન જરૂરી છે. પુસ્તકની રસપ્રદતા વિશે સાહિત્યકાર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, આવી ભાષા જ ફિલ્મો પર ગંભીર લખાણને લોકપ્રિય બનાવવામાં સફળ થશે.
પ્રકાશક હરિકૃષ્ણ યાદવે આશા વ્યક્ત કરી હતી કે, અજય કુમાર શર્માનું આ નવું પુસ્તક સિનેમાના ઘણા અજાણ્યા અને રસપ્રદ પાસાઓને સામે લાવશે, જે સિનેમાના અંધારા અને પ્રકાશ એ બંને બાજુઓ પાછળ છુપાયેલા છે.
