નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંથી, અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ફાઈટર’ હિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ જોઈને દીપિકા પાદુકોણ ખૂબ જ પ્રભાવિત થઈ છે. દીપિકાએ એક ખાસ પોસ્ટ શેર કરીને મોદીના વખાણ કર્યા છે. તેમનો આભાર પણ માન્યો છે.
દીપિકાએ આ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, ‘પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમારો ખૂબ ખૂબ આભાર. પરીક્ષાના તણાવથી બચવા માટે તમે જે રીતે શાળાના બાળકો, તેમના માતા-પિતા અને શિક્ષકો સાથે વાતચીત કરો છો તે પ્રશંસનીય છે.” આ સાથે દીપિકાએ, વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની લિંક પણ શેર કરી. દીપિકાની આ પોસ્ટ, નેટીઝન્સે ઘણી પસંદ કરી છે.
હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજધાની દિલ્હીમાં, ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં લાખો વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને ઘટાડવા માટે ઘણી ટિપ્સ આપી હતી. ફાઈટર ફિલ્મની વાત કરીએ તો દીપિકા તેમાં સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ ‘ફાઇટર’ પુલવામા હુમલા પર, આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના પાકિસ્તાન પર હવાઈ હુમલા કરે છે. દીપિકાએ આ ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે.
