નાગપુર, નવી દિલ્હી, 26 જાન્યુઆરી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા અને સમાનતાની સાથે સાથે સમગ્ર દેશમાં ભાઈચારાની ભાવના હોવી જરૂરી છે. પરસ્પર ભાઈચારો (ભાઈચારો) જ પ્રજાસત્તાકને સફળ બનાવે છે.
નાગપુરના મહલ વિસ્તારમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રીય તિરંગો ફરકાવ્યા બાદ પોતાના સંબોધનમાં સરસંઘચાલક ડૉ. ભાગવતે કહ્યું કે, ભારતીય બંધારણ આપણી વ્યવસ્થાનો આધાર છે. બંધારણની પ્રસ્તાવના, માર્ગદર્શક સિદ્ધાંતો, નાગરિકની ફરજો અને અધિકારો, આ ચાર બાબતો બદલી શકાતી નથી. ડો. આંબેડકરે આપણા બંધારણમાં સ્વતંત્રતા અને સમાનતા સાથે બંધુત્વ ભાવ શબ્દનો સમાવેશ કર્યો હતો.
વિદેશોમાં જોવા મળ્યું છે કે, જ્યાં સ્વતંત્રતા છે ત્યાં સમાનતા નથી. સરસંઘચાલે કહ્યું કે, સ્વતંત્રતા અને સમાનતાને સાથે રાખવા માટે ભાઈચારાની લાગણી હોવી ખૂબ જ જરૂરી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભાઈચારાની આ લાગણી જોવા મળી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ આવો જ માહોલ જોવા મળે છે.
ડો.ભાગવતે કહ્યું કે, ભારતની તાકાત, ભાઈચારાની લાગણીથી જાગી છે. પરિણામે સમગ્ર વિશ્વ, ભારતીય લોકોના કાર્યનો ચમત્કાર જોઈ રહ્યું છે. જો કોઈએ 40 વર્ષ પહેલા કહ્યું હોત, કે ભારત વિશ્વના દરેક ક્ષેત્રમાં તેની કુશળતા સાબિત કરશે, તો કદાચ કોઈએ તેના પર વિશ્વાસ ન કર્યો હોત, પરંતુ ભારતીય લોકોના પરસ્પર સ્નેહ અને ભાઈચારાને કારણે આ શક્ય બન્યું છે.
આ પ્રસંગે સરસંઘચાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજનો ભગવો રંગ, બલિદાનનું પ્રતિક છે. તે જ સમયે, રાષ્ટ્રધ્વજ પર દર્શાવવામાં આવેલ ધર્મચક્ર ગતિનું પ્રતીક છે. ડો.ભાગવતે, આ પ્રતીકોમાંથી પ્રેરણા લેવા અને બલિદાન અને અનુશાસનને અનુસરવાનું આહ્વાન કર્યું હતું.
