સુરત, 21 જાન્યુઆરી(હિ. સ.)-પાંડેસરા જી.આઈ.ડી.સીમાં આવેલી અમીન સિલ્ક મિલ્સ પ્રા.લિ ડાઇંગ મિલમાંથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની 46 બેગનો જથ્થો ઝડપાતા ખેતી અધિકારીઓએ દ્વારા ખાતરના જથ્થાનું ઊંચાભાવે ગેરકાયદેસર વેચાણ કરવા બદલ મિલમાલિકો સામે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખેતી અધિકારીઓ વિશાલકુમાર કોરાટ તથા વી.આર. મેતલિયા, આર.બી.પટેલ, ડી.જે.હાંસોટીયાની સંયુક્ત સ્કવોડ ટીમ દ્વારા ગત તા:12/1/2024ના રોજ સુરતના પાંડેસરા જી.આઈ.ડી.સીના પ્લોટ નં. 83,84,85 માં આવેલી અમીન સિલ્ક મિલ્સ પ્રા.લિ. ડાઇંગ મીલ કે જેના ડાયરેકટરો ઈકબાલ કુંડા, ઈલ્યાસ હાજી ઈબ્રાહીમ કુંડા, ઉમર ઈકબાલ કુંડા, યુસુફ ઈલ્યાસ કુંડા તથા મેનેજર શાહિદ પટેલને ત્યાં તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની પ્રત્યેકમાં 50 કિલોગ્રામ વજનવાળી કુલ 46 બેગ જોવા મળી હતી. જેની કુલ કિંમત 13,616/- થાય છે.
બેગોમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો હોવાનું પણ જણાતા તેમજ આ જથ્થા સંદર્ભે સંતોષકારક ખુલાસો ન મળતા પાંડેસરા ખેતી અધિકારી-સુરત સિટી વિશાલકુમાર કોરાટે તા.૧૯મી જાન્યુ.એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઈકબાલ કુંડા, ઈલ્યાસ હાજી ઈબ્રાહીમ કુંડા, ઉમર ઈકબાલ કુંડા, યુસુફ ઈલ્યાસ કુંડા તથા મેનેજર શાહિદ પટેલ સહિત આખાતરનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા વ્યક્તિઓ/સંસ્થા સામે સરકારના સબસિડીયુકત ખેત વપરાશનું નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર સંગ્રહ અને કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરવા બદલ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
