
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.). સંસદની સુરક્ષા ભંગનો મુખ્ય સૂત્રધાર, લલિત ઝા ને દિલ્હી પોલીસે ઝડપ્યો હતો. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ, લગભગ સાત કલાક પહેલા એક્સ હેન્ડલ પર લલિત ઝાની ધરપકડ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, લલિત ઝાએ ગુરુવારે રાત્રે આત્મસમર્પણ કર્યું હતું. તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે લલિતની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ ઘટનામાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ દિલ્હીમાં ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટના બુધવારે બપોરે બની હતી. પ્રિસાઇડિંગ ઓફિસર રાજેન્દ્ર અગ્રવાલ લોકસભામાં ઝીરો અવરની કાર્યવાહી ચલાવી રહ્યા હતા. માલદા ઉત્તરના બીજેપી સાંસદ ખગેન મુર્મુ પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. એટલામાં જ બે વ્યક્તિઓ દર્શક ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા. વાદળી રંગનું જેકેટ પહેરેલ એક વ્યક્તિ સાંસદોની સીટ પર કૂદવા લાગ્યો. તેણે લગભગ ત્રણ પંક્તિઓ વટાવી અને સીટ તરફ ચાલવા લાગ્યો.
અરાજકતાના માહોલ વચ્ચે કેટલાક સાંસદોએ હિંમત બતાવીને તેમને ઘેરી લીધા હતા. માર્શલ પણ દોડતો આવ્યો. ત્યારબાદ યુવકે જૂતાની અંદરથી કોઈ પદાર્થ બહાર કાઢ્યો હતો. આ પછી ત્યાં પીળો ધુમાડો નીકળવા લાગ્યો. બાદમાં સાંસદો અને માર્શલો સાથે મળીને બંનેને પકડી લીધા હતા. આ પછી પ્રિસાઇડિંગ ઓફિસરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / માધવી
