નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) અપ્રમાણસર સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મંત્રી પોનમુડીને કોઈ રાહત આપી નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે.
વાસ્તવમાં, મદ્રાસ હાઈકોર્ટે પોનમુડી કેસમાં સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને ટ્રાયલ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના જજ જસ્ટિસ આનંદ વેંકટેશના વખાણ કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, ભગવાનનો આભાર કે, અમારી પાસે જસ્ટિસ આનંદ વેંકટેશ જેવા જજ છે, જેઓ આવા નિર્ણયો લઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા મંત્રી સામેની ટ્રાયલ અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરવા પર સવાલો ઉઠાવ્યા છે. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે મંત્રી અને તેમની પત્ની હાઈકોર્ટ સમક્ષ તેમની દલીલો રજૂ કરી શકે છે.
હકીકતમાં, 10 ઓગસ્ટના રોજ મદ્રાસ હાઈકોર્ટે પોનમુડી અને તેની પત્નીને નોટિસ પાઠવી હતી. પોનમુડી પર 1996 અને 2001 વચ્ચે રાજ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાના, તેની પત્ની અને મિત્રોના નામે રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ એકત્ર કરવાનો આરોપ છે, જે તેમના પ્રાપ્ય સ્ત્રોતો કરતાં વધુ હતી. જૂનમાં, પોનમુડીને વેલ્લોરની ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/સંજય/સુનીત/દધીબલ / માધવી
