


પોરબંદર,24 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર ખાતે 10 થી 12 જાન્યુઆરી 2024 દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનાર છે. તે પૂર્વે જિલ્લામાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ પોરબંદર કાર્યક્રમ આગામી 25 તથા 26 ઓક્ટોબરના રોજ પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાજાવાલા હૉલ, એમજી.રોડ, ફ્રેન્ડસ પેટ્રોલિયમ સામે યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન-અમલવારી સંદર્ભે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પ્રી-વાઇબ્રન્ટ સમિટની સાથે વિવિધ એક્ઝિબિશન સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારની ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટ અપ સેમીનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન, પી.એમ.વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. તેમજ B2B, B2C લગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં MSME સેક્ટરના ઔદ્યોગિક એકમો, બેન્કમેળા, ZED રજીસ્ટ્રેશન એક્ઝીબીશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લીડ બેન્ક, સખી મંડળો, આંગણવાડી, આરોગ્ય, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા રોજગાર કચેરી, વીજ કંપની સહિતના વિવિધ સ્ટોલ બનાવી રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવશે.સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ
